આપણે બધા સંપતિ સર્જન કરવાનું, તેની વ્યવસ્થા કરવાનું જાણીએ છીએ, તેથી હવે આપણે સંપતિ ની વહેચણી કરવાની જાણીએ.

જન્મતા તમામ લોકો નું મૃત્યુ નિશ્ચિત છે. તેથી મૃત્યુ પહેલા વસિયત બનાવીને આપણે આપણી સંપતિ નો નિકાલ પૂર્વનિશ્ચિત કરી શકીએ.

પ્રકરણ ૧. વસિયત નો પરિચય

૧) વસિયત શું છે?

વસિયત એવો દસ્તાવેજ છે કે જેમાં મૃત્યુ બાદ વ્યક્તિ ની મિકળક્ત ની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરાયેલ હોય છે. દરેક રાજ્ય ના કાયદાઓ થી નક્કી કરેલ ચોક્કસ ઔપચારિક્તાઓ તેણે પૂરી કરવી જોઈએ.

તે એક કાનૂની દસ્તાવેજ છે કે જે મૃત્યુ બાદ તમારી મિલ્કત સબંધી વહેચણી અને તમારા સગીર બાળકો ની કાળજી લેવાની ઇચ્છાઓને વવ્યવસ્થિત ક્રમ માં રાખે છે.

સદા શબ્દો માં કહીએ તો, વસિયત નો કરતાં જ્યારે હયાત હોય ત્યારે પોતાની મિલકત તેના પુત્રો, પુત્રીઓ, સગાઓ, મિત્રો ને વહેચણી કરવાના તેના ઈરાદાઓને વ્યક્ત કરે છે, પરંતુ વસિયત તેના મૃત્યુ બાદ જ અમલ માં આવે છે.

વસિયત બનાવનાર ને વસિયતકર્તા (Testator) અને જે વ્યક્તિ વસિયત હેઠળ મિલકત વારસામાં પ્રાપ્ત કરે છે તેને ઉતરાધિકારી (Legatee) અથવા હિતોપયોગી (Beneficiary) કહેવાય છે.

૨) વસિયત ને લાગુ પડતાં કાયદાઓ

ભારતીય વરસા ધારો, ૧૯૨૫ સ્પષ્ટરીતે હિન્દુ, બૌદ્ધ, શિખ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓએ કરેલ વસિયત (Will) ને લાગુ પડે છે. પરંતુ મુસ્લીમોને તેમનો અંગત કાયદો લાગુ પડતો હોવાથી ભારતીય વરસા ધરો તેમને લાગુ પડતો નથી.

૧) ભારતીય વારસા ધારો, ૧૯૨૫

૨) હિંદુ અંગત કાયદાઑ

૩) મુસ્લિમ અંગત કાયદાઓ

૪) ભારતીય નોંધણી ધારો, ૧૯૦૮

ભારતીય વારસા ધારો, ૧૯૨૫, ક. ૫૯ પ્રમાણે

વસિયત નો કર્તા ૧૮ વર્ષ કે તેનાથી મોટી ઉમરનો હોવો જોઈએ.  વસિયત કર્તા સ્વસ્થ માનસ નો તેમજ અયોગ્ય અસરોથી મુક્ત પણ હોવો જોઈએ. પરિણીત સ્ત્રી, અંધ કે બહેરી વ્યક્તિ પણ જ્યાં સુધી તેમને એમ ખબર હોય કે પોતે શું કરી રહેલ છે ત્યાં સુધી વસિયત બનાવી શકે છે.       અસ્વસ્થ માનસ ધરાવતી વ્યક્તિ પણ પોતે જ્યારે સ્વસ્થ હોય તે ગાળાના સામય દરમ્યાન વસિયત બનાવી શકે છે.

૩)વસિયત કેવીરીતે બનાવવામાં આવે?

૧) વસિયત મૌખિક નહિ લેખિત હોવું જોઈએ.

૨) વસિયતમાં તેના કર્તાની સહી હોવી જોઈએ.

૩) કાયદાની રીત મુજબ તેમાં સાક્ષીકરણ થયેલ હોવું જોઈએ.

૪) વસિયત ના લક્ષણો.

  ૧) વસિયત હંમેશા તેના કર્તા ના અવસાન બાદ જ અમલમાં આવે છે.

  ૨) કર્તા ની હયાતી દરમ્યાન તે રદ કરી શકાય છે. ભારતીય વારસા ધારો, ૧૯૨૫, ક. ૬૩

   જણાવે છે કે વસિયતકર્તા જ્યારે વસિયત થી પોતાની મિલકત નો નિકાલ કરવા સક્ષમ હોય ત્યારે ગમે તે સમય વસિયત રદ કરી શકાય કે તેમાં ફેરફાર કરી શકાય.

૫) ગેરકાયદેસર વસિયતો.

        ૧. છળ-કપટ, અયોગ્ય લાગવગ કે દબાણ હેઠળ થયેલ વસિયતો.

        ૨. અચોક્કસ વસિયતો.

        ૩. અશકય શરતો ના કારણે

        ૪. ગેરકાનૂની કે અનૈતિક શરતોવળાં આસિયતો.

૬. અદાલત માં વસિયત નું નિષ્પાદન :

 વસિયત કર્તાનું અવસાન થતાં “પ્રવર્તક” (Executor) તરીકે ઓળખાતી વ્યક્તિ હિતોપયોગીઑ વચ્ચે સંપતિની વહેચણી માટે જવાબદાર બનશે અને તે મિલકત વહેચણીની સમગ્ર પ્રક્રિયા સરળ બનાવશે. ભારત માં વસિયત નું નિષ્પાદન અદાલતમાં મેજીસ્ટ્રેટ સમક્ષ થવું કાનૂની રીતે જરૂરી નથી. આમ છતાં, જો તમે ઈચ્છો તો મેજીસ્ટ્રેટ નોટરી કે કોઈ અધિકૃત સરકારી અધિકારીની હાજરી માં મહોર (Seal) મારી વસિયત નું નિષ્પાદન (Attestment) કરી શકે.

પ્રકરણ ૨. ભારત માં વસિયત કેમ બનાવવું ?

વસિયત માં કેટલાક ભાગો હોય છે, જે પૂર્ણ થયે વસિયત બને છે.

પગલું ૧. શરૂઆત નું નિવેદન :પ્રથમ ફકરામાં વસિયતકર્તાએ એમ નિવેદન કરવું થઈએ કે પોતે પૂર્ણ સમાનાવસ્થામાં આ વસિયત કરી રહ્યા છે અને પોતે કોઈપણ પ્રકારના દબાણથી મુક્ત છે. વસિયતકર્તાએ વસિયત ઘડતી વખતે પોતાનું નામ, સરનામું, ઉમર વ દર્શાવવા જોઈએ.

પગલું ૨. મિલકતની અને દસ્તાવેજની વિગતો : હવે પછીના ફકરામાં ઘર, જમીન, બેંકમાં જમા થાપણ, ટપાલ કચેરી માં રોકાણો, શેર, મ્યુચ્યુલ ફંડમાં રોકાણો, તેની કિંમત, વિ. ની યાદી આપેલ હોવી જોઈએ.

પગલું ૩. માલિકીની વિગતો :વસિયત માં છેલ્લે, વસિયતકર્તા એ કઈ મિલકત, થાપણો, ઘરેણાં, પોસ્ટલ કે શેર સર્ટિફિકેટો વ. કોને અને કેટલા પ્રમાણમાં આપવા ઈચ્છે છે તેની વિગતો આપવી જોઈએ. આવી કોઈ મિલકત જે સગીરને આપવામાં આવે, તો તેની સગીરાવસ્થા પૂરી થતાં સુધી કસ્ટોડિયનની નિમણુંક કરવી જોઈએ.

પગલું ૪. વસિયત માં સહી અને સાક્ષીકરણ : વસિયત આ રીતે પૂર્ણ થયા બાદ વસિયતકર્તાએ ઓછામાં ઓછા ૨ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં વસિયતમાં પોતાની સહી કરવી જોઈએ. વસિયત ના છેડે તારીખ અને સ્થળ પણ દર્શાવવા જોઈએ. વસિયતવાળો કાગળ એક કવરમાં મૂકી તેને સીલ કરવું જોઈએ અને તેના પર સીલ થયાની તારીખ અને તેના પર વસિયતકર્તાની સહી થવી જોઈએ. સાક્ષીઓએ સીલ થયેલા કવર પર સહી કરવાની જરૂર નથી.

પ્રકરણ ૩. વસિયત ના પ્રકારો

વિશિષ્ટાધિકૃત અને બિનવિશિષ્ટાધિકૃત વસિયતો :

ભારતીય વારસા ધારો ૧૯૨૫, ક. ૬૩  અને ક. ૬૬ હેઠળ નિષ્પાદિત થયેલ વસિયત બિનવિશિષ્ટાધિકૃત (Unprivileged) વસિયત તરીકે ઓળખાય છે.  જ્યારે કોઈ સૈનિક ખરેખર ચડાઈ કે યુદ્ધ માં રોકાયેલ હોય, અથવા હવાઈદળ ની કોઈ વ્યક્તિ આ રીતે રોકાયેલ હોય કે દરિયામાં ચાલે નૌકાદળની વ્યક્તિએ કરેલ વસિયત વિશિષ્ટાધિકૃત (Privileged) વસિયત છે.

વિશિષ્ટાધિકૃત વસિયત :

નિયમ પ્રમાણે વિશિષ્ટાધિકૃત વસિયત લેખિત હોવું જોઈએ, આમ છતાં ખરેખર યુદ્ધમાં રોકાયેલ સૈનિક, હવાઈદળ કર્મચારી કે દરિયામાં મુસાફરી કરી રહેલ નૌકાદળ સૈનિક બે સાક્ષીઓ સમક્ષ મૌખિક વસિયત જાહેર કરી શકે. આવી વ્યક્તિઓ આ રીતે જાહેર કરેલ વસિયત વિશિષ્ટાધિકૃત વસિયત છે.

૧) શરતી અથવા આકસ્મિક વસિયત (Conditional ઓર Contingent Will)

કોઈ શરત કે આકસ્મિક બનાવ સાથે વસિયત નો અમલ થવાનું ઠરાવી શકાય.

દા.ત. –અ.પોતાના વસિયતમાં લખે છે કે મારા ઘરેણાં રૂ. ૫ લાખની કિંમત ના બ ને મળશે પરંતુ સાથે શરત ઉમેરે છે કે જો બ એ લગ્ન કરેલ હોય તો જે તે ઘરેણાં મેળવશે. હવે જ્યારે અ નું અવસાન થાય (એટલે કે વસિયત અમલમાં આવે) ત્યારે બ એ લગ્ન કરેલ હોય તો જ આ વસિયતના અમલ થશે. વસિયત અમલમાં આવવાના સમયે જે આ શરત પૂર્ણ થયેલ ન હોય તો આ વસિયતનો  અમલ કરી શકાતો નથી. વસિયતકર્તા એમ પણ શરત મૂકી શકે કે પોતાનું ૧ વર્ષમાં અવસાન થાય તો આ વસિયત ના અમલ કરાવી શકાતો નથી. તેજ રીતે, જે શરત કાયદા વિરૂદ્ધની કે અનૈતિક હોય, તો આવું વસિયત કાયદેસર નથી.

૨) સંયુક્ત વસિયત (Joint Will)

આ એવા પ્રકારનું વસિયત છે કે જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ પોતાનું સંયુક્ત વસિયત લખેછે.દા.ત. પતિ-પત્ની આ પ્રકારનું વસિયત ઘડી શકે. જો પતિ-પત્ની એ સંયુક્ત વસિયત ઘડેલ હોય અને તેનો અમલ બંનેના અવસાન બાદ કરવાનો હોય, તો બે માંથી કોઈ એક ની હયાતી દરમ્યાન પણ વસિયત નો અમલ કરાવી શકાતો નથી બે વ્યક્તિઓનું સંયુક્ત વસિયત એ પ્રકારનું પણ હોઈ શકે કે એકનું અવસાન થાય ત્યારે તેમના પૂરતા વસિયતનો અમલ કરાવી શકાય.

૩) બે કે તેથી વધુ વસિયતકર્તાઓએ નિષ્પાદિત કરેલ વસિયત (A Will Executed by two or more testators)

જ્યારે એક જ દસ્તાવેજમાં એક કર્તા વધારે વ્યક્તિઓએ પોતાની અંગત મિલકતનું વસિયત કરેલ હોય, ત્યારે તે એકલ વસિયત (Single Will) નથી. જેનું અવસાન થાય તેના ભાગ પૂરતા વસિયતનો અમલ થાય છે.

૪) પરસ્પર વસિયતો (Mutual Wills)

આ એવા પ્રકારનું વસિયત છે કે જેમાં બે વ્યક્તિઓ દરેક પોતાની મિલકત અન્યને વસિયતથી આપે છે.

દા.ત. અ. પોતાના વસિયતથી બ ને પોતાની મિલકત આપે છે અને બ પોતાના વસિયતથી પોતાની મિલકત અ ને આપે છે. આમ બંને એકબીજાના હિતોપયોગી (કે લાભાર્થી) બને છે.

૫) બીજીપ્રત વસિયત (Duplicate Will)

વસિયતકર્તા, પોતાની સલામતી ખાતર, વસિયત બે નકલમાં બનાવી શકે. એક નકલ પોતાનીપાસે અને બીજી નકલ બેંક લૉકરમાં, અથવા પ્રવર્તક કે ટ્રસ્ટી પાસે રાખી શકે. જો વસિયતકર્તા પોતાની પાસેની નકલનો નાશ કરે, તો વસિયત રદ થાય છે.

૬) સહવર્ભ વસિયત (Concurrent Will)

સામાન્યરીતે વસિયતકર્તાનાં અવસાન સમયે તેની પાસે એક વસિયત હોવું જોઈએ. આમ છતાં વસિયતકર્તા સવલત ખાતર એક દેશમાં આવેલ પોતાની મિલકતોના નિકાલમાટે એક વસિયત અને બીજા દેશમાં આપેલ મિલકતોના નિકાલ માટે બીજી વસિયત બનાવી શકે છે. આ બે જુદા વસિયતોને સહકાર્ય વસિયતો તરીકે ઓળખવવામાં આવેછે.

૭) બનાવટી વસિયત (Sham Will)

જ્યારે કોઈ દસ્તાવેજ વસિયત તરીકેની તમામઔપચારિક્તાઓ સાથે નિષ્પાદિત કરવામાં આવે ત્યારે જો એમ બતાવવામાં આવે કે તેનાથી વસિયતકર્તાનો વસિયતી વ્યવહાર કરવાનો કોઈ ઇરાદો ન હતો તો આવો દસ્તાવેજ વસિયત તરીકે વ્યથા છે. એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે વસિયતની કેદેસરતા માટે વસિયત બનાવવાનો ઈરાદા હોવા જોઈએ.

૮) સ્વલિખિત વસિયત (Holograph Will)

વસિયતકર્તાના પોતાના જ હસ્તાંતરમાં લખાયેલ પૂરેપૂરી વસિયત.

પ્રકરણ 4. વસિયતના જરૂરી તત્વો

૧) વસિયત લેખિત હોવું જોઈએ:

માત્ર મુસ્લિમ કાયદા પ્રમાણે વસિયત મૌખિક હોઈ શકે છે. અન્ય તમામ પ્રસંગોમાં વસિયત લેખિતજ હોવું જરૂરી છે. ઉપર જણાવ્યુંતેમ, વિશિષ્ટાધિકૃત વસિયત મૌખિક હોઈ શકે. યુદ્ધરત સૈનિક કે ખરેખર દરિયામાં રહેલ નૌકાદળ સૈનિક જ વિશિષ્ટાધિકૃત વસિયત બનાવી શકે.

૨) મુસ્લિમો મૌખિક વસિયત બનાવી શકે:

મુસ્લિમોને તેના અંગત કાયદા (Personal Law) પ્રમાણે મૌખિક બનાવવાની છૂટ છે.  અન્ય કોઈ કાયદામાં કે વિશિષ્ટાધિકૃત વસિયત સિવાય, મૌખિક વસિયત બનાવી શકવાની જોગવાઈ નથી. વસિયત લેખિતજ હોવું જોઈએ.

૩) વસિયતનું સ્વરૂપ નિશ્ચિત નથી:

વસિયત અમૂકરીતે કે અમુક સ્વરૂપમાં લખાયેલ હોવાનું જરૂરી ઠરાવવામાં આવેલ નથી. અમુક ભાષા કે શબ્દપ્રયોગ પણ જરૂરી નથી. ભાષા અને શબ્દો બને તેટલા સરળ અને કોઈપણ પ્રકારની અલંકારિક્તાથી મુક્ત હોવા જોઈએ.

4) વસિયતપર કોઈ ટિકિટ જરૂરી નથી:

વસિયત સ્ટેમ્પ પેપર પર લખાયેલ હોવાનું કે તેનાપર અમુક કિંમતની ટિકિટ લગાડેલ હોવાનું જરૂરી નથી. સદા કોરા અને ટકાઉ કાગળ પર વસિયત લખાયેલ હોય તો તે પૂરતું છે.

૫) ટાઈપીંગ અનિવાર્ય નહિ, ઈચ્છનીય છે:

વસિયત હાથે લખેલ હોય તો પણ ચાલે. વસિયતકર્તાએ પોતાના હાથથી લખેલ વસિયત (Holograph) કાયદેસર છે. ટાઈપ કરાવવાનું ફરજીયાત નથી. પરંતુ અક્ષરો અવાચ્ય હોય તો ગુંચપણ થાય અને અર્થનો અનર્થ પણ થઈ જવા સંભવ છે તેથી વસિયત ટાઈપ કરાવવાનું સલાહભર્યું છે.

પ્રકરણ ૫. ઔપચારિક્તાઓ

સ્ટેમ્પ:-વસિયત માટે કોઈપણ કિંમતનો સ્ટેમ્પ અનિવાર્ય નથી.

સાક્ષીકરણ :

વસિયતમાં ઓછામાંઓછા ૨ સાક્ષીઓએ સાક્ષીકરણ કરેલ હોવું જોઈએ. આ બંને સાક્ષીઓ એવા હોવા જોઈએ કે જેમણે વસિયતકર્તાને વસિયતનું નિષ્પાદન કરતાં જોયેલ હોય. દરેક શાક્ષીએ અન્ય સાક્ષી અને વસિયતકર્તાની હાજરીમાં સહી કરવી જોઈએ. હિન્દુ કાયદા પ્રમાણે વસિયતથી બક્ષિશ મેળવનાર વ્યક્તિ (Legatee) સાક્ષી તરીકે સહી કરી શકે. ખ્રિસ્ત અને પારસી કાયદા અનુસાર પ્રવર્તક (Executor)કે વસિયતથી બક્ષિશ મેળવનાર વ્યક્તિ (Legatee) સાક્ષી બની શકે નહી. મુસ્લિમ કાયદા મુજબ વસિયત લેખિત હોવાનું જરૂરી નથી. આમ છતાં કોઈ મુસ્લિમે લેખિત વસિયત કરેલ હોય તો તેનો કોઈ બાધ નથી. પરંતુ મુસ્લિમે કરેલ લેખિત વસિયતમાં સાક્ષીકરણ અનિવાર્ય નથી.

વસિયત ની નોંધણી:

નોંધણી ધારો, ૧૯૦૮, ક. ૧૭ પ્રમાણે જેદસ્તાવેજથી રૂા. ૧૦૦ કે તેથી વધારે કિંમતની સ્થાવર મિલકતનું હસ્તાંતર થતું હોય, તેવા તમામ દસ્તાવેજો ફરજીયાત નોંધણીપાત્ર છે. વસિયતથી આ પ્રકારની મિલકતનું હસ્તાંતર થતું હોવા છતાં વસિયત ફરજીયાત નોંધણીપાત્ર નથી.

આમછતાં વસિયતની નોંધણી ઈચ્છનીય છે. કારણ કે તેનાથી વસિયતની વિશ્વસનીયતામાં વધારો થાય છે અને વસિયત અંગેની ભવિષ્યની તકરારો ટાળી શકાય છે.

નોંધણી પ્રક્રિયા:

વસિયત નોંધણી કરાવવી હોય તો તે માટે વસિયતકર્તા તેમજ સાક્ષીઓએ રજિસ્ટ્રાર કચેરીએ હાજર થવું જોઈએ અને નોંધણી ફી ચૂકવવી જોઈએ.

નિરસન અને સુધારો:

વસિયતકર્તા પોતાનું વસિયત રદ કરી શકે, તેમાં ફેરફાર કે સુધારો કરી શકે. પોતાનું જૂનું વસિયત રદ કરી નવું વસિયત પણ ઘડી શકે. પારસી અને ખ્રિસ્તી કાયદો પ્રમાણે વસિયતકર્તા (સ્ત્રી હોય કે પુરુષ) નું લગ્ન થવાથી તેમણે અગાઊ કરેલ વસિયત રદ થાય છે. આમ છતાં, આં નિયમ હિંદુ, જૈન, શીખ અને બુદ્ધો ને લાગું પડતો નથી.

પ્રકરણ ૬. ઉપવસીયતો (Codicils)

ઉપવસિયત શું છે?

જ્યારે વસિયતકર્તા પોતાના વસિયતમાં સાધારણ ફેરફાર કરવા ઈચ્છે છે, ત્યારે તે પોતાના વસિયતને પૂરક લખાણ જે તૈયાર કરે, તેને ઉપવસિયત તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. ટ્રસ્ટીઓની સંખ્યામાં ફેરફાર કરવો હોય તો આ રીત નું લખાણ સાથે જોડી શકાય છે. તેથી અગાઉનું વસિયત રદ થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેની સુધારણા થાય છે.

ઉપવસિયત છેલ્લા વસિયતમાં સુધારો કરતો કાનૂની દસ્તાવેજ છે. છેલ્લા વસિયતની બાકીની તમામ જોગવાઇઓ જેમની તેમ રહે છે. વસિયતકર્તા માનસિકરીતે જ્યાં સુધી સક્ષમ હોય, ત્યાં સુધી પોતાના વસિયતમાં પોતાને યોગ્ય લાગે તેવો ફેરફાર કે રદ કરવા પણ હક્કદાર છે.

ભારતીય વારસાધારો, ૧૯૨૫, ક. ૨(૬) માં અપાયેલ વ્યાખ્યા મુજબ “ઉપવસિયત” એટલે વસિયત સબંધમાં તેના નિકાલને સમજાવતો, તેમાં કરતો કે તેમાં વધારો કરતો દસ્તાવેજ છે, અને તેને વસિયતો ભાગ ગણવામાં આવશે.

વસિયત પર જ આ રીતે ઉપવસિયતનું લખાણ તૈયાર કરી શકાય. અથવા તે અલગ દસ્તાવેજ હોઈ શકે. જે વસિયતનું ઉપવસિયત હોય, તે વસિયત રદ થાય તો પણ ઉપવસિયત અમલી બનાવી શકાય. ઉપવસિયત નું નિષ્પાદન વસિયતની જેમ જ થવું જોઈએ.

વસિયત ની કાનૂની જરૂરિયાતો કઈ છે.

ઉપવસિયતની કાનૂની જરૂરિયાતો મૂળ વસિયત જેવીજ છે.

ઉપવસિયત કાયદેસર ગુણાવી શકાય તે માટે:

૧) વસિયતકર્તાની તેમાં સહી હોવી જોઈએ.

૨) ઓછામાં ઓછા ૨ શાક્ષીઓનું સાક્ષીકરણ થવું જોઈએ.

૩) લખાણ વસિયતકર્તાએ પોતાના હાથથી તૈયાર કરેલ હોવું જોઈએ, અથવા ટાઈપ કરેલ કે છાપેલ

હોવું જોઈએ.

૪) વસિયતકર્તાની ઉંમર ૧૮ વર્ષે પૂરી થયેલ હોવી જોઈએ.

૫) ઉપવસિયત તૈયાર કરતી વખતે વસિયતકર્તા સ્વસ્થ માનસ ધરાવતો હોવો જોઈએ.

પ્રકરણ ૭. નામાંકન નો પરિચય

નામાંકન શું છે?

નામાંકન કરવું એટલે પોતાના અવસાન બાદ મિલકતની દેખભાલ માટે કોઈ વ્યક્તિની નિમણુંક કરવાનું હોય.

નામાંકન કોણ કરી શકે છે.

જે વ્યક્તિએ બેંક, શેરોમાં રોકાણ કરેલ હોય, વીમા પોલિસી ધારણ કરેલ હોય કે ભચતપત્રો ખરીદ કરેલ હોય, તે વ્યક્તિ નામાંકન કરી શકે. નામાંકન સવલત વ્યક્તિ (Individual) ને જ મળી શકે.

નામાંકન ક્યારે કરી શકાય?

રોકાણ કરતી વખતે, પોલીસી મેળવતી વખતે કે બચતપત્રો ખરીદ કરતી વખતે જ નામાંકન કરી શકાય છે.

શું નામાંકનકર્યાબાદ તેમાં ફેરફાર થઈ શકે?

હા. જુનું નામાંકન રદ કરી શકાય અને નવું નામાંકન દાખલ કરી શકાય. રદ કરાયેલ નમાંકનવાળી વ્યક્તિને જાણ કરવાનું જરૂરી નથી.

નામાંકન કોણ ન કરી શકે.

પુખ્તવયની વ્યક્તિજ નામાંકન કરી શકે. સગીર વ્યક્તિ નામાંકન દાખલ કરી શકે નહી. તે જ રીતે, હિંદુ સંયુક્ત કુટુંબ ભાગીદારી પેઢી, કંપની નામાંકન કરી શકે નહિ. ટ્રસ્ટી, લિકવિડેટર કે રીસીવર પણ નામાંકન કરી શકે નહી.

નામાંકન હેઠળ કોની નિમણુંક કરી શકાય?

નામાંકન હેઠળ નિમાયેલ વ્યક્તિ નોમીનીતરીકે ઓળખાયછે અને નૉમિની તરીકે પુખ્તવય કે સગીર વયની વ્યક્તિની પણ નિમણુંક કરી શકાય. જો કોઈ સગીર વ્યક્તિની નૉમિની તરીકે નિમણુંક કરવામાં આવે, તો તેની સગીરાવસ્થા પૂરી થતાં સુધી તેના વાલીની નિમણુંક પણ થવી જોઈએ.સગીર વ્યક્તિની જન્મ તારીખ ખાસ લખવી જોઈએ. નૉમિની તરીકે પુત્ર, પુત્રી, પત્ની, માતા-પિતા, મિત્ર કે કોઈ શુભેચ્છુક પણ હોઈ શકે. મૉમિની તરીકે નિમાયેલ વ્યક્તિ લોહી સબંધ ધરાવતી હોવાનું જરૂરી નથી.

નમાંકનીના કયા અધિકારો છે?

રોકાણકર્તા કે પોલિસી ધારકનું અવસાન થયે, નોમીનીને તેની રકમ પ્રાપ્ત થાય છે. જો રોકાણકર્તા કે પોલિસી ધારકની હયાતી દરમ્યાન જ નોમીનીનું અવસાન થાય, તો નામાંકન રદ થાય છે. જો પોલીસી ધારકના અવસાન બાદ પરંતુ રકમ મેળવતા અગાઉ નોમીની નું અવસાન થાય, તો પણ નોમીનેશન રદ થાય છે. આવા પ્રસંગે નોમીનીના વારસદારને નહિ, પરંતુ ગુજરનાર પોલિસી ધારકના વારસદરના રકમ પર અધિકાર છે.

પ્રકરણ ૮. સરકારી મંડળીમાં નામાંકન

અ) નામાંકન માટેની પ્રક્રિયા :

      કોઈ પણ સભ્ય

      ૧) ફોર્મ નં. ૧૫ A માં એક જ  વ્યક્તિનું નામ આપી નામાંકન કરી શકે.

        ૨) જો એક કરતાં વધારે વ્યક્તિઓનું નામાંકન કરવું હોયતો ફોર્મ નં.૧૫ Bભરવું જોઈએ અને

દરેક નોમીનીના હિતની ટકાવારી સ્પષ્ટ કરવી જોઈએ.

પક્ષકારે સાક્ષીઓની હાજરીમાં ફોર્મ ભરવું જોઈએ. અને પોતાની સહી કરવી જોઈએ. અસલ નકલ મંડળીની કચેરીમાં, એક નકલ પક્ષકાર પાસે અને એક નકલ પર રસીદ હોવી જોઈએ.

બ)નોમીનેશન માટે ફી :

પ્રથમ વખત નોમીનેશન માટે કોઈ ફી નથી. જે અગાઉનું નામાંકન રદ કરીને નવું નામાંકન કરવામાં આવે, તો દરેક આવા નામાંકન માટે રૂ. ૫ ફી ભરવાની હોય છે.

ક)મંડળી નોમીનીનાં નામે મિલકતનું હસ્તાંતર ક્યારે કરે?

પક્ષકારનાં અવસાન બાદ મંડળી નોમીનીનાં નામે મિલકતનું હસ્તાંતર કરશે. નોમીની પક્ષકારનાં અવસાન બાદ મૃત્યુ પ્રમાણપત્ર અને પોતાના રહેઠાણનાં પુરાવા સાથે અરજી કરશે. મંડળીના નવા નિયમો પ્રમાણે જો બે વ્યક્તિઓનું નામાંકન થયેલ હોય તો તેમના સંયુક્ત નામે પણ મિલકત હસ્તાંતર કરી શકાય.

ડ) જો નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું ન હોય તો :

મિલકત હસ્તાંતર કરવાના હેતુ માટે મંડળી પ્રોબેટ/વરસા પ્રમાણપત્ર માટે આગ્રહ રાખી શકે, જેમાં પુષ્પળ સમય અને ખર્ચ થાય છે.

૧) અરજી કરવામાં આવે ત્યારે (તેની નકલ મંડળીના નોટિસ બોર્ડ પર અને બે અખબારોમાં જાહેરાતઆપવામાં આવશે) મંડળી એક માસમાં વાંધાઓ મંગાવશે.

૨)ભવિષ્યમાં હક્કદાવાઓ માટે ક્ષતિપૂર્તિ પત્રક.

૩) એક કરતાં વધારે કાયદેસર વારસદારો હોય તો નં.૧ પ્રતિનિધિત્વ કરશે.

ઢ) જો નોમીની શેર પ્રમાણપત્ર શોધી ન શકે તો મંડળીને બીજી નકલ માટે અરજી કરી શકે :

      નોમીનીએ

      ૧) સૌ પ્રથમ મંડળીને અરજી કરવી જોઈએ.

        ૨) બે અખબારોમાં જાહેરાત પ્રગટ કરવી જોઈએ.

        ૩) ક્ષતિપૂર્તિ પત્રક ભરવું જોઈએ.

    ત્યારબાદ બીજી નકલ (Duplicate) જારી કરી પ્રથમ નકલ રદ કરવામાં આવશે.

પ્રકરણ ૯. વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો.

પ્રશ્ન ૧.વસિયત શું છે અને તેના લાભો કયા છે?

જવાબ : વસિયત એવો કાનૂની દસ્તાવેજ છે કે જેમા વસિયતકર્તા નીચે મુજબ જોગવાઈ કરી શકે.

  અ. પોતાના અવસાન બાદ પોતાની મિલકતના વહીવટ અને

  બ. જ્યારે વસિયતકર્તા પોતાની મિલકતનો ભાગ કોઈને આપવા ઈચ્છતો હોય તો નિશ્ચિત વ્યક્તિઓને નિશ્ચિત હિસ્સાની વહેચણી.

ક. પોતાની મિલકતના વહીવટ માટે પોતાની પસંદગીની વ્યક્તિની નિમણુંક કરી શકે.

  ડ. પોતાના સગીર બળકો માટે વાલીની  નિમણુંક કરી શકે.

  બીજા શબ્દોમાં કહીએતો આ એવો દસ્તાવેજ છે કે જેમાં તમે (વસિયતકર્તા) પોતાના અવસાનબાદ પોતાની મિલકતમા કોને કેટલો હિસ્સો મળશે તે   નિશ્ચિત કરી શકો. જેમની પાસે જમીન, ઘરેણા, મકાન, રોકડ રકમ વ. હોય તેને વસિયત ઘડવાનું સલાહભર્યું છે.

પ્રશ્ન ૨. શું દરેક વ્યક્તિ, કામકાજી કે બિનકામકાજી સ્ત્રી કે પુરુષે વસિયત ઘડવું જોઈએ. કોઈ વ્યક્તિ વસિયત બનાવ્યા વગર અવસાન પામે તો શું થાય?

જવાબ : ગુજરાતીમા કહેવત છે મન હોય તો માળવે થાય (a will will find the way) જો વસિયત બનાવેલ ન હોય તો કુટુંબમાં મિલકત ભાગ સબંધી કડવાશઅને તકરારો પેદા થશે. જે વ્યક્તિ વસિયત કર્યા વગર (એટલે કે અવસિયતી) મૃત્યુ પામે તો કાયદો દરમ્યાનગીરી કરે છે અને તેનાથી નિશ્ચિત થાય છે કે કઈ વ્યક્તિ ને મિલકતમાં કેટલો હિસ્સો મળશે કૌટુંબિક તકરાર ઉત્પન થતી અટકાવવા દરેક વ્યક્તિએ વસિયત બનાવવું જોઈએ.

પ્રશ્ન ૩.વસિયત ક્યારે બનાવવું જોઈએ?. સામાન્યરીતે કઈ ઉંમર?

જવાબ : પુખ્તવયની દરેક વ્યક્તિએ, ગમે તેટલી તેની ઉંમર હોય, વસિયત બનાવવું જોઈએ. સામાન્યરીતે ૫૦ વર્ષ ઉપરની દરેક વ્યક્તિએ વસિયત બનાવવું જોઈએ. વસિયત બનાવતી વખતે વ્યક્તિ સ્વસ્થ મનની હોવી જોઈએ.

પ્રશ્ન ૪. વસિયત કેવીરીતે બનાવવું જોઈએ? તેના માટે કોઈ પ્રક્રિયા છે? કયા પ્રકારના   કાગળ અને ભાષા પ્રયોજવા જોઈએ?

જવાબ : તેના માટે કોઈ ચોક્કસ સ્વરૂપ કે નમૂનો નથી વસિયતકર્તા સ્વસ્થ મનની વ્યક્તિ હોવી જોઈએ. તેમા સહી અને બે સાક્ષીઓની સહી હોવી જોઈએ.

  ૧. કોઈપણ ભાષામાં વસિયત હોઈ શકે. ખાસ શબ્દો પ્રયોજવાનું જરૂરી નથી.

  ૨. વસિયતમાં બે સાક્ષીઓ ઓછામાં ઓછા હોય તે જરૂરી છે. તેમાનો એક સાક્ષી ડૉક્ટર હોય તે પસંદગી પાત્ર છે.

  ૩. બંને સાક્ષીઓએ એકબીજાની હાજરીમાં અને વસિયતકર્તાની હાજરીમાં સહી કરવી જોઈએ.

  ૪. ભારતમાં વસિયતની નોંધણી ફરજીયાત નથી, સ્વૈચ્છિક છે.

  ૫. વસિયતમા પ્રવર્તક નિમવાની જોગવાઈ હોય તો સારૂ. અનિવાર્ય નથી.

  ૬. વસિયત પર કોઈ સ્ટેમ્પ જરૂરી નથી. સાદા કાગળ પર વસિયત બનાવી શકાય.

પ્રશ્ન ૫. વસિયત બનાવ્યા બાદ તેને ક્યાં રાખવું જોઈએ? કુટુંબમાં કોઈ વ્યક્તિ કે મિત્રને તે વિષે ખબર હોવી જોઈએ?

જવાબ : વસિયતની મૂળ નકલ એક સલામત જગ્યાએ રાખવી જોઈએ કે જેથી સિયતકર્તાનાં અવસાન બાદ સહેલાઈથી મળી આવે. તેની એક નકલ વસિયત તૈયાર કરનાર વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તમારા કુટુંબ મિત્રો પાસે રાખો.

  પ્રશ્ન ૬. શું વસિયત મૌખિક હોઈ શકે છે લેખિત જ હોવું જોઈએ?

જવાબ : માત્ર સલામતી દળોના સભ્યો માટે જ મૌખિક વસિયત બનાવવાની છૂટ છે. વસિયત અન્ય પ્રસંગોમાં લેખિત જ હોવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિના જીવનનો અંત હોય ત્યારે બે નિષ્પક્ષ સાક્ષીઓની હાજરીમાં તે મૌખિક વસિયત કરે તો તે માન્ય છે. સાક્ષીઓએ દસ દિવસમાં વસિયત લેખિત તૈયાર કરવું જોઈએ અને પોતાની સહી કરવી જોઈએ.

પ્રશ્ન ૭. જ્યારે કુટુંબમાં કોઈ વડો વસિયત કર્યા સિવાય ગુજરી જાય, ત્યારે ઘણી સમસ્યાઓ સર્જાય છે. શું આ સાચું છે. શું વસિયત બનાવવાથી સમસ્યાઓ હલ થાય?

જવાબ : વસિયત બનાવ્યા વગર અવસાન પામનાર વ્યક્તિ અવસિયતી કહેવાય છે. આવા પ્રસંગે કાયદો નક્કી કરે છે કે કોને કેટલી મિલકત વારસામાં મળશે. આવા સમય કુટુંબમાં વિખવાદ સર્જાઇ શકે.

 પ્રશ્ન ૮.  શું વસિયતની વિગતો ખાનગી રાખવી જોઈએ? કે તેની વિગતો નજીકની વ્યક્તિઓને કહી શકાય?

જવાબ : વસિયતની વિગતો ગુપ્ત રાખવાનું સલાહભર્યું છે. આમ છતાં આ બાબત દરેક કેસ ના સંજોગો પર આધાર રાખે છે. વસિયતની વિગતો કોઈને કહેવી કે કેમ તે વસિયતકર્તાએ સંજોગો પરથી નક્કી કરવું જોઈએ.

પ્રશ્ન ૯.જે પતિએ વસિયત કરેલ હોય તો શું પત્નીએ પણ વસિયત બનાવવું જોઈએ? શું પતિ-પત્ની સંયુક્ત વસિયત બનાવી શકે?

 જવાબ : વસિયત દરેકે અલગ બનાવવું જોઈએ. પતિ-પત્નીના કિસ્સામાં સંયુક્ત વસિયત ત્યારે બનાવી શકાય કે જ્યારે દા.ત. પતિ પોતાના અવસાન બાદ   તમામમિલકત પત્ની ને વારસામાં આપે, અને બને એક સાથે મૃત્યુ પામે તો તમામ મિલકત બાળકોને વરસામાં આપે. જો બાળક ન હોય તો નિશ્ચિત વ્યક્તિને મિલકત વારસામાં સૌપી શકાય.

  પ્રશ્ન ૧૦. કોઈ વ્યક્તિ પોતાનાં વસિયતથી પોતાની મિલકત કુટુંબના સભ્યોને વારસામાં આપવાને બદલે બીજા વ્યક્તિને કે કોઈ સંસ્થાને આપે તો તે કાયદેસર છે?

 જવાબ : હા. કારણ કે વસિયત એ એવો કાનૂની દસ્તાવેજ છે કે જેનાથી વસિયતકર્તા પોતાની મિલકત પોતાના અવસાનપછી કોને કેટલા હિસ્સાથી મળશે તે જણાવેછે. વસિયતની મિલકત વસિયતકર્તાએ પોતાનાં સગાવહાલાંનેજ આપવી તેવોકોઈ નિયમ નથી. વસિયતથી મિલકત અપાવેલ વ્યક્તિ કોઈપણ(સંસ્થા સહિત) હોઈ શકે છ

પ્રશ્ન ૧૧. વસિયતની સામે અનેક વાંધાઓ રજૂ થાય છે. આવા બે કે ત્રણ વાંધાઓ જણાવી શકશો?

જવાબ : વસિયત સામે સામાન્યરીતે નીચેના વાંધાઓ લેવામાં આવે છે.

  ૧) વસિયતકર્તા સ્વસ્થ મનની ન હોય.

  ૨) વસિયતકર્તાને વસિયત બનાવવાની સત્તા ન હોય.

  ૩) વસિયતકર્તા એ દબાણ, ધાક-ધમકી કે નશાની અસર હેઠળ વસિયત બનાવેલ છે.

   ૪) વસિયતકર્તા પર કપટ આચરીને વસિયત લખવાયેલ છે.

   ૫) વસિયતકર્તા એ ૨ સાક્ષીઓની હાજરીમાં સહી કરેલ નથી.

   ૬) વસિયતકર્તા એ કુટુંબ સભ્યોનાં નામો વસિયતમાં દર્શાવેલ નથી.

પ્રશ્ન ૧૨. વસિયતથી ક્યારેક કુટુંબમાં કડવાશ પેદા થાય છે. કેટલાક ને એમ લાગેછે કે પોતાને મિલકતમાં મળવા જોઈતો ભાગ મળેલ નથી. આવા પ્રસંગે શું કરવું જોઈએ?

જવાબ : વાત સાચી છે. ક્યારેક આવું બની શકે છે. આવું થતું અટકાવવામાટે વકીલ પાસે વસિયત તૈયાર કરાવવું જોઈએ. તેમાં એક નિવેદન આપી શકાય કે અમુક વ્યક્તિને મિલકતમાથી અમુક ટકા હિસ્સો શા માટે આપેલ છે.

પ્રશ્ન ૧૩. વસિયત સાથે ઇરાદાપૂર્વક ચેડા થયાનું બની શકે? માનસિકરીતે અસ્વસ્થ વ્યક્તિને મૂર્ખ બનાવીને તેની પાસે વસિયત લખાવી શકાય?

 જવાબ : સમાજમાં આવા કિસ્સાઓ ક્યારેક બને છે.

પ્રશ્ન 14. વસિયતકર્તા પોતે તૈયાર કરેલ વસિયતમાં ફેરફાર કરી શકે?

જવાબ : હા. વસિયતકર્તા કોઈપણ સમયે પોતાના વસિયતમાં ફેરફાર કરી શકે. વસિયતકર્તાએ આવા સમયે જણાવવું જોઈએ કે આનાથી પોતે અગાઉ કરેલ વસિયત રદ થાય છે અથવા ફેરફાર થાય છે. જો આમ ન જણાવવામાં આવે   તો સમસ્યા ઉદ્ભવી શકે છે. વસિયતમાં ઉમેરો કરવામાટે ઉપવસિયત (Codicil) ઘડી શકાય. વસિયત માટેની તમામ ઔપચારિક્તાઓ ઉપવસિયત વખતે પણ પૂર્ણ થવી જોઈએ. એટલે કે તે લૈખિક હોવું જોઈએ, તેમાંબે સાક્ષીઓની હાજરીમાં સહી થવી જોઈએ, જો ફેરફાર વધારે પ્રમાણમાં હોય તો વસિયત નવું જ તૈયાર કરવું જોઈએ.

પ્રશ્ન ૧૫. વસિયતકર્તા વસિયત તૈયાર કરતી વખતે કેવું માનસ ધરાવતો હોવો જોઈએ?

જવાબ :વસિયતકર્તાનું સ્વસ્થ માનસ (Sound Mind) હોવું જોઈએ. કોઈના દબાણ, ધમકી હેઠળ વસિયત તૈયાર કરવુ જોઈએ નહી. પોતાના પર કપટ-દગા થતો અટકાવવા સાવધાની રાખવી જોઈએ. સાવચેતી માટે તેની નોંધણી પણ કરાવવી જોઈએ.

પ્રશ્ન ૧૬. વસિયત જાતે તૈયાર કરવું જોઈએ કે વકીલની મદદ મેળવવી જોઈએ?

જવાબ :વસિયત તૈયાર કરવાનું સરળ છે. જો તમારી પાસે મિલકત બહુ ઓછી હોય અને તેના ભાગ પાડવામાં કોઈ મુશ્કેલ હોય તો તમે તમારી જાતે વસિયત    ઘડી શકો છો. જો તમારી મિલકત વધારે હોય, કુટુંબ મોટું હોય કે અમુક વ્યક્તિને અમુક મિલકત આપવાની તકરાર થવાની સંભાવ હોય ત્યારે વકીલ ની સલાહ લેવી જોઈએ. વકીલ પાસે વસિયત તૈયાર કરવાનું સલાહભર્યું છે. તેનાથી તમામ કાનૂની ઔપચારીકતાઓ પૂર્ણ થાય છે. અને ભવિષ્ય માં તકરાર માટે અવકાશ ઓછો રહે છે. જાતે તૈયાર કરેલ વસિયતની ભાષામાં કોઈ ગડબડ થઈ જાય તો અર્થઘટનના મોટા સવાલો પેદા થાય છે. પછી તકરાર અદાલત સુધી પહોંચે અને તેનાથી ક્યારેક વસિયત નો મૂળ હેતુ જ માર્યો જે છે. દા.ત. વસિયતમાં કોઈ સાક્ષીની સહી ન હોય, વસિયતમા એમ લખેલું કે મારું કાંડા ઘડિયાળ સુનિતાને આપવું. હવે સુનિતા નામની ભત્રીજી અને સુનિતા નામની પુત્રી પણ હોય. તો કઈ સુનિતાને આ ઘડિયાળ મળે તે પ્રશ્ન થાય. આવી સંદિગ્ધ કે અચોક્કસ પરિસ્થિતિ નો લાભ ઉઠાવવા ખરેખર હકદાર હોય તે સિવાયની વ્યક્તિ તૈયાર થાય અને કોઈ કારણવશ અદાલત તેની તરફેણમાં ચુકાદો આપે ત્યારે ન ધારેલ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

પ્રશ્ન ૧૭.શું લગ્ની વસિયત પર કોઈ અસર થાય?

જવાબ : હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન અને મુસલમાન સિવાયની વ્યક્તિએ લગ્ન પહેલા બનાવેલ વસિયત આપોઆપ રદ થાય છે. એટલે કે પારસી, દહુદી, ખ્રિસ્તી ધર્મની વ્યક્તિએ લગ્ન બાદ નવું વસિયત બનાવવું જરૂરી છે. કાયદાના આ સંજોગોમાં કોઈ વ્યક્તિ એક ઈચ્છા રાખે કે તેનું લગ્ન પહેલાનું વસિયત અમલમાં રહેતો તેવા સંજોગોમાં લગ્ન અગાઉનું જૂનું વસિયતનામું ફરી લખી તેનાપર લગ્ન પછીની તારીખ નાખી સાક્ષીઓની સહી લેવી જોઈએ.

પ્રશ્ન ૧૮. જે વ્યક્તિ નોમીની હોયતેને વરસાથી મિલકત પ્રાપ્ત થાય?

જવાબ : ના. નોમીનીની નિમણુંક ટ્રસ્ટીની બરાબર છે. વસિયત મુજબ મિલકત કાનૂની વારસદારો પ્રાપ્ત થાય. મુંબઈ હાઇકોર્ટ રામદાસ શિવરામ વિ. રમેશચંદ્ર કેરા (નિર્ણયતા ૯-૪—૨૦૦૯) માં ચુકાદો આપ્યો છે. અને તેની વિગત પ્રમાણે

  ૧) શિવરામ ની પત્ની તારાબાઈ નોમીની હતા તેમણે બિલ્ડર ને મિલકત વેચી.

  ૨) કૌટુંબિક વયસ્થા પ્રમાણે ૧૯૭૬ માં મિલકત રામદાસ ના ભાગે આવી. (મિલકત તેના નામની થયેલ ન હતી)

  ૩) બિલ્ડર તારાબાઈ સામે મિલકતના કબજા માટે દાવો કર્યો.

  ૪) રામદાસે પોતાની માતા તારાબાઈ અને બિલ્ડર સામે પોતે માલિક હોવાનો દાવો કર્યો.

  ૫) અદાલતે નક્કી કર્યું કે કાનૂની વારસદારો માલિકો છે. તારાબાઈએ માત્ર વ્યવસ્થા કરવાની હતી.

પ્રશ્ન ૧૯. શું લગ્ન વિચ્છેદની વસિયત પર કોઈ અસર થાય?

જવાબ :  હા. જેટલા પ્રમાણમાં તે જીવનસાથીનો વસિયત માં ઉલ્લેખ હોય તેટલા પ્રમાણમાં વસિયત રદ થાય.

પ્રશ્ન ૨૦. જો કોઈ સભ્ય મંડળીની સભામાં હાજર રહેવાની સ્થિતિમાં ન હોય તો શું થાય?

જવાબ : આવા પ્રસંગ તેનું એસોસીએટ મેમ્બર તરીકેનું ફોર્મ ભરવું જોઈએ. મૂળ સભ્યના સભ્યપદ સુધી એસોસીએટ મેમ્બર નું સભ્યપદ ચાલુ રહે છે. સભ્યનું અવસાન થતાં, એસોસીએટ મેમ્બર ના સભ્યપદ નો પણ અંત આવે છે.

વસિયત નો નમૂનો

હું (નામ) ………………………ઉ.વ…………………………… સરનામું………………………………

આજે હું જાહેર કરૂંછુ કે મારા અગાઉના તમામ વસિયતો, ઉપવસિયતોરદ થાય છે. અને આ મારુ …………………… મુકામ બનાવેલ આખરી વસિયત છે. આજ તા ……………………………

૧) મારૂં સ્વાસ્થ્ય સારું છે અને હું સ્વસ્થ મનનો છું. મારી સ્વતંત્ર ઈચ્છા અને પૂર્ણ સંમતીથી મારી સારી તંદુરસ્તી અને સ્વસ્થ માનસથી આ વસિયત બનાવેલ છે. મારાપર કોઈએ ધાક-ધમકી ગેરવ્યાજબી દબાણ કરેલ નથી.

૨) મારા કુટુંબમા નીચે મુજબના સભ્યો છે.

       ……………………………

        ……………………………

        ……………………………

 ૩) મારા જીવનકાળ દરમ્યાન મેં સ્થાવર તેમજ જંગમ મિલકતો એકત્ર કરેલ છે. મારા અવસાન બાદ મારી મિલકત અંગે કોઈ તકરાર ન થાય તે હેતુથી અને ભવિષ્યમાં કાનૂની વિવાદ કે કડવાશ થતી અટકાવવા આ વસિયત તૈયાર કરેલ છે. મારી હાલની તેમજ ભવિષ્યમાં જે કોઈ મિલકત હું પ્રાપ્ત કરું તે નીચે મુજબ આપવા આ વસિયતથી ઠરાવું છું.

૪) મારા વસિયતના પ્રવર્તક તરીકે મારાં પત્ની ………………….. ની નિમણુંક કરું છું. અને   કદાચ મારા પત્ની મારા કરતાં પહેલા અવસાન પામે, તો મારા પ્રવર્તક તરીકે

  શ્રી…………………………… રહેશે.

૫) મારા પ્રવર્તક મારી ઉત્તરક્રિયાનો ખર્ચ, તેમજ મિલકત પરના કરજ અને જવાબદારીઓ મારી     મિલ્કતમાંથી ચુકવવાના રહેશે. તે બાદ કરતાં બચેલ મિલકત નીચે મુજબ આપવા ઠરાવું છું.

૬) મારી તમામ સ્થાવર-જંગમ મિલકતના ઉત્તરાધિકારી તરીકે મારી પત્ની ……………………. ને ઠરાવું છું. તેણીના જીવન સુધી આ તમામ મિલકત તેઓ ધારણ કરી શકશે અને તેનું   વસિયત પણ ઘડી શકશે.

૭) જો મારા પત્નીનું મારા અગાઉ અવસાન થાય તો મિલકત નીચે મુજબ આપવા ઠરાવું છું.

 અ.મારી તમામ સ્થાવર મિલકત મારા પુત્ર …………………………… ને મળશે.

  બ. રૂ ………………. મારી સૌથી મોટી પુત્રી ……………….ને આપવા.

  રૂ ………………. મારી પૌત્રી……………….ને આપવા.

રૂ ………………. મારા પ્રપૌત્ર……………….ને આપવા.

ઉપર્યુક્ત રીતે મારી મિલકતની વ્યવસ્થા થયાબાદ જો મારી કોઈ મિલકત બચી હોય તો તે મારી સૌથી નાની પુત્રી………………. ને આપવા ઠરાવું છું.

સાક્ષીઓ ની સહી                           વસિયતકર્તા ની સહી

તા. અને સ્થળ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here